Education Gujarati
Education Gujarati Join Our Telegram Channel
Join
Follow To WhatsApp Channel. Education Gujarati

Search Suggest

ચેતાકિય વિકાસાત્મક અક્ષમતા - અધ્યયન અક્ષમતા, બૌદ્ધિક અક્ષમતા, આત્મકેંદ્રિત વર્ણપટ અવ્યવસ્થા

2.1 ચેતાકિય વિકાસાત્મક અક્ષમતા - અધ્યયન અક્ષમતા, બૌદ્ધિક અક્ષમતા
અધ્યયનની અક્ષમતાની વ્યાખ્યા 
અધ્યયનની અક્ષમતાની જુદી જુદી વ્યાખ્યાઓ વિવિધ નિષ્ણાતો દ્વારા આપવામાં આવી છે. તેમાંથી ત્રણ મુખ્ય વ્યાખ્યાઓ અહીં આપવામાં આવી છે. 
  • અધ્યયનની અક્ષમતા એ વિવિધ પ્રકારની ખામીઓ સાથે સંકળાયેલી બાબત છે જે શાબ્દિક અને / અથવા અશાબ્દિક માહિતીનાં ગ્રહણ, ધારણ, અર્થઘટન (સમજ) અને ઉપયોગ પર અસર કરે છે. 
  • અધ્યયનની અક્ષમતા તેની ગંભીરતાનાં સંદર્ભમાં જુદી જુદી કક્ષાએ જોવા મળે છે, જે નીચે જણાવેલાં કૌશલ્યોમાંથી કોઈ એક અથવા વધુની પ્રાપ્તિ અને ઉપયોગમાં વિક્ષેપ પાડે છે.
  • ભાષા (દા.ત. શ્રવણ, કથન, સમજ) 
  • વાંચન (દા.ત. અર્થધટન, અર્થગ્રહણ) 
  • લેખન (દા.ત. જોડણી, લેખિત અભિવ્યકિત) 
  • ગણીત (દા.ત. ગણતરી, સમસ્યા ઉકેલ) 
  • અધ્યયનની અક્ષમતા એ વ્યકિતની માહિતી મેળવવાની, યાદ રાખવાની, સમજવાની અને અભિવ્યકત કરવાની રીત પર અસર કરે છે. 

અધ્યયનની અક્ષમતાનો અર્થ 

ઉપરોકત વ્યાખ્યાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, અધ્યયનની અક્ષમતા એ બાળકની શીખવાની એટલે કે, અધ્યયનની પ્રક્રિયામાં આવતી મુશ્કેલીઓ સાથે સંકળાયેલી બાબત છે. બાળક જયારે વિષયવસ્તુના મુદ્દાઓનાં વાંચન, લેખન, સ્મરણ, અર્થગ્રહણ અને ગણન કે સમસ્યા ઉકેલ વગેરેમાંથી કોઈ એક અથવા વધુ કામમાં મુશ્કેલી અનુભવે ત્યારે તે અધ્યયનની અક્ષમતા ધરાવે છે, તેમ કહેવાય. 
અધ્યયનની અક્ષમતાને કારણે બાળક શૈક્ષણિક રીતે પછાત બને છે, અથવા તેની અધ્યયનની ગતિ મંદ બને છે. 

શૈક્ષણિક પછાત બાળકો 
શૈક્ષણિક રીતે પછાત બાળકોનો અર્થ સમજતા પહેલા આપણે તેની કેટલીક વ્યાખ્યાઓનો અભ્યાસ કરીશું. 

[ A ] શૈક્ષણિક પછાત બાળકોની વ્યાખ્યા 
  • એવા બાળકને શૈક્ષણિક રીતે પછાત બાળક કહેવામાં આવે છે કે જે પોતાના શાળાકીય જીવન દરમિયાન તેની વયકક્ષાના બાળકો માટે સામાન્ય કહેવાય એવું એના ધોરણ કરતાં નીચલાં ધોરણનું કાર્ય પણ ન કરી શકે.
  • શૈક્ષણિક રીતે પછાત વિઘાર્થી તેની વય કક્ષાના વિદ્યાર્થીની તુલનામાં શૈક્ષણિક ન્યૂનતા દર્શાવતો હોય છે. 
  • શૈક્ષણિક પછાતપણું સામાન્ય રીતે એવાં બાળકોને લાગુ પડે છે કે જેમની શૈક્ષણિક ઉપલબ્ધિ તેમની સ્વાભાવિક ક્ષમતા કરતા ઓછી હોય છે. 

[ B ] શૈક્ષણિક રીતે પછાત બાળકોનો અર્થ : 
જે બાળકો તેમની વયકક્ષાનાં બાળકોની સરેરાશ શૈક્ષણિક સિદ્ધિની તુલનામાં અતિ નિમ્ન શૈક્ષણિક સિદ્ધિ ધરાવે છે, તેમને શૈક્ષણિક રીતે પછાત બાળક તરીકે ઓળખી શકાય છે. 
શૈક્ષણિક રીતે પછાત બાળકોની વ્યાખ્યાઓ અને અર્થને આધારે તેમનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણો તારવી શકાય છે. 

શૈક્ષણિક રીતે પછાત બાળકોનાં લક્ષણો 
 શૈક્ષણિક રીતે પછાત બાળકોની વિશિષ્ટતા નીચે જણાવ્યા પ્રમાણે છે. 
  • આવાં બાળકોની અધ્યયનની ગતિ મંદ હોય છે. એટલે કે, તેઓ મંદ ગતિના અધ્યેતા (Slow Learner) હોય છે. 
  • આવાં બાળકો સાંવેગિક રીતે સ્થરતા ધરાવતાં હોય છે. 
  • સરેરાશ બાળકો કરતાં તેમની શૈક્ષણિક સિદ્ધિ નિમ્ન હોય છે. 
  • આવાં બાળકો તેમના ધોરણાથી નીચલાં ધોરણાનાં બાળકોની સરેરાશ શૈક્ષણિક સિદ્ધિ કરતાં પણ નીચી શૈક્ષણિક સિદ્ધિ ધરાવતાં હોય છે. 
  • આવાં બાળકો એક કરતાં વધુ વર્ષ એક જ ધોરણમાં અભ્યાસ કરે છે. 
  • સામાન્ય શિક્ષણ પદ્ધતિઓ દ્વારા આવાં બાળકોને અધ્યયન અનુભવો પૂરા પાડવામાં સફળતા મળતી નથી. 
  • આવાં બાળકો મંદ બુદ્ધિવાળાં હોય તે જરૂરી નથી. પરંતુ દરેક મંદ બુદ્ધિવાળું બાળક શૈક્ષણિક રીતે પછાત તો હોય જ છે. 
  • અમુક વખતે તો અતિ ઉચ્ચ બુદ્ધિક્ષમતા ધરાવતાં બાળકોમાં પણ શૈક્ષણિક પછાતપણું જોવા મળે છે.

અગાઉ આપણે ચર્ચા કરી ગયા છીએ કે અધ્યયનની અક્ષમતાને કારણે બાળક શૈક્ષણિક રીતે પછાત બને છે અથવા તેની અધ્યયનની ગતિ મંદ બની જાય છે. આ બન્ને સંજોગોમાં અન્ય સરેરાશ બાળકો જેટલી શૈક્ષણિક સિદ્ધિ મેળવવામાં નિષ્ફળ રહે છે. શૈક્ષણિક રીતે પછાત બાળકો અંગે આપણો ચર્ચા કરી. તેથી હવે આપણો મંદ ગતિનાં અધ્યેતા અંગે સ્પષ્ટતા મેળવવાનો પ્રયત્ન કરીશું. 

મંદ ગતિના અધ્યેતા 
 ઘણી વખત મંદ ગતિના અધ્યેતાને શૈક્ષણિક પછાત બાળક તરીકે જોવામાં આવે છે. પરંતુ આ વાસ્તવિકતા નથી. આ બે પ્રકારનાં બાળકો વચ્ચે તાત્વિક ભેદ છે. શૈક્ષણિક રીતે પછાત બાળકો તેમના ધોરણાથી નીચલા ધોરણનાં બાળકો જેટલું પણ જ્ઞાન નથી ધરાવતા હોતા જયારે મંદ ગતિનાં અધ્યેતાની અધ્યયન કરવાની ઝડપ સરેરાશ બાળકો કરતાં ઓછી હોય છે. મંદ ગતિનાં અધ્યેતાની વ્યાખ્યાઓનો અભ્યાસ કરવાથી આના વિશે વધુ સ્પષ્ટતા કરી શકાશે. 

મંદ ગતિના અધ્યેતાની વ્યાખ્યા 
મંદ ગતિના અધ્યેતાની કેટલીક વ્યાખ્યાઓ નીચે જણાવ્યા પ્રમાણેની છે. 
  • જે બાળકો શાળામાં નબળી (મંદ ગતિએ) રીતે કામ કરતા હોય તેમ છતાં તેમને વિશિષ્ટ શિક્ષણની જરૂર ન હોય તેવાં બાળકોને મંદ ગતિના અધ્યેતા તરીકે ઓળખવામાં આવે છે. તેમના બુદ્ધિ કસોટી પ્રાપ્તાંકો એટલા ઊંચા હોય છે કે તેમને મંદ બુદ્ધિનાં બાળકો અથવા માનસિક અક્ષમતા ધરાવતાં બાળકો તરીકે સ્વીકારી શકાતાં નથી. 
  • મંદ ગતિના અધ્યેતાને હકીકતમાં વિશિષ્ટ શિક્ષણની જરૂર પડે છે તેમ છતાં તેઓ વિશિષ્ટ શિક્ષણવ્યવસ્થા માટે સ્પષ્ટ રીતે બંધ બેસતાં નથી.
  • એવું બાળક કે જે કોઈ બાબત સમજવામાં સરેરાશ બાળક કરતાં વધુ સમય લે અથવા જેને કોઈ સંકલ્પના સમજવા માટે અનેક વખત સમજૂતીની જરૂર પડે તેને મંદ ગતિનો અધ્યેતા કહે છે. આવા બાળકને પ્રસંગોપાત્ત, ખોટી રીતે, વિષયનું ઓછું જ્ઞાન ધરાવનાર તરીકે દોષિત ઠરાવવામાં આવે છે. 

[ A ] મંદ ગતિના અધ્યેતાનો અર્થ : 
ઉપરોકત વ્યાખ્યાઓને આધારે કહી શકાય કે મંદ ગતિનાં બાળકો તેમની વયકક્ષાનાં સરેરાશ બાળકો કરતાં અધ્યયન કરવાની બાબતમાં ધીમા હોય છે. તેમને કોઈપણ બાબત સમજવા માટે તેમના જૂથના બાળકોને લાગતા સરેરાશ સમય કરતાં થોડો વધુ સમય લાગે છે. આવાં બાળકો લાંબા સમય સુધી ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. તેમના માટે મંદ બુદ્ધિનાં બાળકોની જેમ અથવા શૈક્ષણિક રીતે પછાત બાળકોની જેમ અલગ શિક્ષણ વ્યવસ્થાની જરૂર પડતી નથી. તેમ છતાં આવાં બાળકોને વિશિષ્ટ રીતે શીખવવાની એટલે કે, શિક્ષણ આપવાની જરૂર પડે છે . તેમનો બુદ્ધિ આંક પણ મંદ બુદ્ધિનાં બાળકો અને શૈક્ષણિક રીતે પછાત બાળકો કરતાં ખૂબ ઊંચો જોવા મળે છે. 
મંદ ગતિનાં બાળકો અને અધ્યયનની અક્ષમતા ધરાવતાં બાળકોના લક્ષણો સમાન જ હોય છે.

અધ્યયન અક્ષમતા ધરાવતાં બાળકોનાં લક્ષણો

  • અધ્યયન અક્ષમતા ધરાવતાં બાળકોનાં સામાન્ય લક્ષણો નીચે મુજબ છે. અધ્યયન અક્ષમતા ધરાવતાં અથવા મંદ ગતિનાં અધ્યતામાં આ તમામ લક્ષણો એક સાથે જોવા મળે એવું જરૂરી નથી. આવાં બાળકોમાં આમાંનાં અમુક કે અનેક લક્ષણો જોવા મળે છે. 
  • આવાં બાળકો ઝડપથી સળંગ વાકયો બોલી શકતાં નથી. 
  • તેમનો શબ્દભંડોળ પ્રમાણમાં ઓછો હોય છે. 
  • આવાં બાળકોને બોલવામાં મુશ્કેલી પડતી હોય છે.
  • યોગ્ય સંદર્ભમાં કોઈ વાત રજૂ કરવામાં તેમને મુશ્કેલી પડતી હોય છે. 
  • ખાસ કરીને લેખનનાં સંદર્ભમાં તેઓ તેમની આંખ અને હાથની ક્રિયાઓ વચ્ચે સંકલન સાધી શકતાં નથી. 
  • તેઓ લેખનકાર્યમાં અન્ય સરેરાશ બાળકો કરતાં પ્રમાણમાં ધીમા હોય છે. 
  • તેમને એક જ બાબત સમજાવવા માટે એકથી વધુ વખત સમજૂતી આપવી પડે છે. 
  • તેઓ કોઈ બાબત અંગે વર્ણન કરતી વખતે ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવી શકતા નથી. 
  • તેમની માનસિક પ્રક્રિયાની ગતિ ધીમી હોય છે. 
  • આવાં બાળકો વર્ગખંડમાં શિક્ષકોના પ્રશ્નોને ઓછો પ્રતિચાર આપે છે. 
  • તેમને આપવામાં આવેલી સૂચનાઓને સમજવામાં પણ મુશ્કેલી અનુભવતાં હોય છે. 
  • તેઓ તેમના વિષયથી સાવ અજાણ નથી હોતાં. 
  • આવાં બાળકો પર પૂરતું ધ્યાન ન આપવામાં આવે તો તેઓ શૈક્ષણિક પછાત બાળકોની હરોળમાં આવી શકે છે. 
  • તેમનું વ્યકિતગત ધ્યાન રાખવામાં આવે તો તેઓ સામાન્ય બાળકોની હરોળમાં આવી શકે છે . 
  • તેમની શીખવાની ઝડપ સરેરાશ બાળકોની ઝડપનાં વધુમાં વધુ 85 ટકા જેટલી હોય છે.
  • આવાં બાળકો માટે વિશિષ્ટ શિક્ષણ વ્યવસ્થાની જરૂર નથી હોતી . 
આવાં બાળકો તેમની આવી વિશિષ્ટતાઓને કારણે શાળામાં સમસ્યારૂપ પણ બનતાં હોય છે. જો તેમની અધ્યયન અક્ષમતાનાં કારણો જાણી લેવામાં આવે તો આ સમસ્યાને ઉકેલવામાં સરળતા થઈ શકે છે.

અધ્યયન અક્ષમતાનાં કારણો

નીચે જણાવેલ કારણોમાંથી કોઈ એક અથવા અનેક કારણે બાળકમાં અધ્યયન અક્ષમતા જોવા મળે છે . 

[ A ] ઓછો શારીરિક વિકાસ : અમુક બાળકોનો શારીરિક વિકાસ તેમની ઉંમરનાં સંદર્ભમાં ઓછો થતો હોય છે, પરિણામે તેમની અમુક જ્ઞાનેન્દ્રિયો સંપૂર્ણ ક્ષમતા સાથે કામ નથી કરી શકતી. તેથી તેમની માનસિક પ્રક્રિયાઓ તેમની ઉંમરના પ્રમાણમાં ધીમી થતી હોય છે, જેના કારણે તેમની અધ્યયન ક્ષમતા ઘટી જતી હોય છે, પરિણામે તેઓ મંદ ગતિએ અભ્યાસ કરતાં હોય છે. 

[ B ] શારીરિક ખામીઓ : શારીરિક વિકાસ મહદ્અંશે સારી રીતે થવા છતાં અમુક બાળકોમાં એકાદી ખામી રહી જતી હોય છે. દા.ત. આંશિક બહેરાશ, દષ્ટિની આંશિક ખામી , બોલવામાં મુશ્કેલી વગેરે. આ બધી ખામીઓ એવી છે જે તેમના અધ્યયન પર અસર કરતી હોય છે. પરિણામે તેઓ તેમના સાથી મિત્રોની તુલનામાં અભ્યાસમાં પાછળ રહી જતા હોય છે. તે ઉપરાંત ડિસ્લેસિયા (Dyslexia) , ધ્યાનન્યૂનતાનો રોગ (Attention Deficiency / Deficit Disorder : ADD), ધ્યાનન્યૂનતા સાથે અતિ ક્રિયાશીલતા (Attenetion Defficiency Hyperactive Disorder - ADHD) નો રોગ વગેરે જેવાં કારણોસર પણ બાળક અભ્યાસમાં પાછળ રહી જાય છે.

[ C ] શારીરિક રોગ : ઉપરસ, નબળી પાચનશકિત, આંતરડાની સમસ્યાઓ, પેટમાં કૃમિનું હોવું, ગ્રંથિઓ (Glands) નું યોગ્ય રીતે કામ ન કરવું વગેરે જેવા રોગોને કારણે બાળક સામાન્ય માનસિક અથવા શારીરિક પરિશ્રમ કરીને થાકી જતું હોય છે. આવી વ્યાધિઓ કે રોગોને કારણે અમુક વખતે તેના માથામાં દુઃખાવો થાય છે, તે ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી અથવા તે અન્ય કોઈ પ્રકારની શારીરિક તકલીફો અનુભવે છે. આ કારણો ઉપરાંત અમુક અસાધ્ય રોગોને કારણો તે નિયમિત શાળામાં જઈ શકતું નથી. શાળામાં જાય તો પણ ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી. આમ અમુક શારીરિક રોગોને કારણે તે અભ્યાસમાં પાછળ રહી જાય છે.

[ D ] નિમ્ન સામાન્ય બુદ્ધિ : અમુક મનોવૈજ્ઞાનિક સંશોધનો કહે છે કે દરેક વ્યકિત સામાન્ય અને વિશિષ્ટ એમ બે પ્રકારની બુદ્ધિ ધરાવે છે. આ બન્ને પ્રકારની બુદ્ધિનું પ્રમાણ વ્યકિતએ વ્યકિતએ જુદું હોય છે. વ્યકિતના વિકાસમાં જેટલો તેની વિશિષ્ટ બુદ્ધિનો ફાળો હોય છે તેટલો જ ફાળો તેની સામાન્ય બુદ્ધિનો હોય છે. ખાસ કરીને વિશિષ્ટ કાર્યો કરવા માટે વિશિષ્ટ બુદ્ધિની જરૂર પડતી હોય છે. જો સામાન્ય બુદ્ધિ સારી હોય તો જ વ્યકિત વિશિષ્ટ કાર્યો સરળતાથી કરી શકે છે. અધ્યયન એક વિશિષ્ટ કાર્ય છે. બાળકની સામાન્ય બુદ્ધિ સરેરાશ કરતાં નિમ્ન કક્ષાની હોય તો સામાન્ય બાબતો સમજવામાં પણ તેને મુશ્કેલી પડતી હોય છે. તેની વિશિષ્ટ બુદ્ધિનો વિકાસ અપેક્ષિત કક્ષાએ થતો નથી. તેથી નિમ્ન સામાન્ય બુદ્ધિ ધરાવતાં બાળકો સામાન્ય ઝડપે અભ્યાસ કરી શકતાં નથી.

[ E ] આર્થિક સમસ્યા : આર્થિક સમસ્યા કે આર્થિક પછાતપણું ધરાવતા કુટુંબનાં બાળકોનાં શૈક્ષણિક વિકાસમાં અવરોધો આવી શકે છે. ખાસ કરીને જયારે બાળક પાસે શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે પૂરતા પ્રમાણમાં પૈસા ન હોય ત્યારે આવી સામગ્રીને અભાવે તે સારી રીતે અભ્યાસ કરી શકતું નથી. આવી આર્થિક પરિસ્થિતિમાં અમુક વખતે ફી નહીં ભરી શક્વાને કારણો તે લધુતાગ્રંથિથી પીડાતું હોય છે, તેથી તે અધ્યયનમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી અને અભ્યાસમાં પાછળ રહી જાય છે. બીજું, આવા બાળકને ઘરમાં આર્થિક મદદ કરવા માટે ઘણીવાર પૈસા કમાવાના હેતુથી નાનું મોટું કામ કરવું પડતું હોય છે, પરિણામે તેમનું ધ્યાન અભ્યાસમાં કેન્દ્રિત થઈ શકતું નથી, જે તેના નબળા અભ્યાસનું કારણ બને છે, જેથી તે અન્ય બાળકોની સાથે તાલ મિલાવીને અધ્યયન કરી શકતાં નથી.

[ F ] કૌટુંબિક કારણો : કુટુંબ મોટું હોય અને ઘરમાં સંકડાશ હોય તો બાળકને અધ્યયન કરવા માટેનો પૂરતો સમય અને પૂરતી સગવડો મળતી નથી. તેથી બાળક શાળાનું અનુકાર્ય અને ગૃહકાર્ય ઘરે કરી શકતું નથી. પરિણામે તે અભ્યાસમાં પાછળ રહી જાય છે. કુટુંબના સંદર્ભમાં બીજું કારણ એ જોવા મળે છે કે કુટુંબના સભ્યો એક બીજા સાથે વારંવાર ઝઘડતા હોય અથવા તેમની વચ્ચે એકરાગ ન હોય તો બાળક મૂંઝવણ અનુભવે છે અને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી. પરિણામે તે તેની અધ્યયનની ગતિ જાળવી શકતું નથી અને તે અધ્યયનની અક્ષમતાનો શિકાર બને છે.

[ G ] અશિક્ષિત માતા - પિતા : અશિક્ષિત માતા - પિતા પોતાના બાળકનાં શિક્ષણ પ્રત્યે ગંભીર નથી હોતાં. આવાં માતા - પિતા બાળકની શૈક્ષણિક જરૂરિયાતોને સમજી શકતા નથી. તેથી તેઓ તેમના બાળકને જોઈએ તેવો સહકાર આપતા નથી અથવા આપી શકતા નથી. બીજું, ઉપલા ધોરણોમાં તો ઠીક, નીચલાં ધોરણમાં ભણતાં બાળકે પણ તેના વિષયનાં સંદર્ભમાં ઊભી થયેલી સમસ્યાના ઉકેલ માટે માબાપને બદલે બીજા પર આધાર રાખવો પડે છે . બીજા લોકોની મદદ તેને સમયસર ન મળવાને કારણો તે જે તે વિષયમાં જે તે સમયે સ્પષ્ટતાને અભાવે નિરાશ થઈ જાય છે, જેની અવળી અસર તેના તે સમય પછીના અભ્યાસ પર પણ પડે છે, પરિણામે તે અભ્યાસમાં પાછળ રહી જાય છે. 

[ H ] માતા - પિતાનું બિનજવાબદાર વલણ : ઘણા શિક્ષિત મા - બાપ પણ તેમનું બાળકના અભ્યાસ પ્રત્યે ગંભીરતા દાખવતા નથી. તેમનું બાળક શું ભણે છે, તેની શૈક્ષણિક પ્રગતિ કેવી છે, તેના અભ્યાસમાં તેને શું મુશ્કેલી પડે છે, વગેરે જેવી બાબતો અંગે તેઓ સ્ટેજ પણ ધ્યાન રાખતા નથી. તેથી બાળક પોતાની રીતે પોતાની સમસ્યાઓ ઉકેલવાનો પ્રયત્ન કરે છે, પરંતુ બાળકને દર વખતે આમાં સફળતા મળતી નથી. તેથી તે અભ્યાસમાં પાછળ રહી જાય છે. અમુક માબાપ તેમના બાળકને વધુ પડતાં લાડ લડાવતાં હોય માબાપ અતિ કઠોર રીતે બાળકો સાથે વર્તન કરતા હોય છે. આ બન્ને પ્રકારનાં વર્તનો બાળકને અભ્યાસથી દૂર લઈ જાય છે, જેની અસર તેની શૈક્ષણિક સિદ્ધિ પર પડતી હોય છે. આજે પણ આપણા દેશનાં અમુક વિસ્તારોમાં અને ગામડાઓમાં કન્યાઓને નિયમિત શાળાએ મોકલવામાં આવતી નથી અથવા તો માતા - પિતા કન્યાઓના શિક્ષણ માટે ગંભીર હોતાં નથી. પરિણામે કન્યાઓ. અનિયમિતતાને કારણે અને / અથવા માતા પિતાની ઉદાસીનતાને કારણે અભ્યાસમાં પાછળ રહી જાય છે.

[ I ] શાળાનું વાતાવરણ : સામાન્ય રીતે બાળક તેની શાળા , શિક્ષકો અને આચાર્યને સમર્પિત હોય છે. તેને અને માબાપને શાળા પાસેથી ખૂબ અપેક્ષાઓ હોય છે. બાળક તો સતત શાળામાં રહે છે. તેની શાળા પાસેની અપેક્ષાઓ પૂર્ણ ન થાય તો તે ખૂબ નિરાશ થાય છે, પરિણામે અભ્યાસમાં તેનું ધ્યાન કેન્દ્રિત થતું નથી અને તે અભ્યાસમાં પાછળ રહી જાય છે. સામાન્ય રીતે શાળામાં નીચે જણાવેલી પરિસ્થિતિ જોવા મળે ત્યારે બાળક અભ્યાસમાં મુશ્કેલી અનુભવે છે. 
  • બાળકો સાથે શિક્ષકોનો અયોગ્ય અથવા સહાનુભૂતિ વિનાનો વ્યવહાર. 
  • વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા અપેક્ષા કરતાં વધુ હોવી. 
  • અધ્યાપન કાર્ય માટે શિક્ષકો દ્વારા અયોગ્ય પદ્ધતિઓ અને તકનિકોનો ઉપયોગ. 
  • શિક્ષકો વચ્ચે એકસૂત્રતાનો અભાવ. 
  • શાળામાં પુસ્તકાલય, પ્રયોગશાળા, રમત - ગમતનાં અને અન્ય ભૌતિક સાધનોની અછત.
  • શાળામાં દરેક વિષય માટેના પ્રશિક્ષિત શિક્ષકોની અછત . શાળામાં વિષયોની પસંદગીના સંદર્ભમાં માર્ગદર્શનનો અભાવ. 
  • પરીક્ષાલક્ષી શિક્ષણ. 
  • જુદા જુદા વિષયોમાં આવતી પાયાની સંકલ્પનાઓ સ્પષ્ટ ક્ય વગર આગળનું શિક્ષણ આપવું. 
  • શાળામાં નિદાનાત્મક અને ઉપચારાત્મક શિક્ષણનો અભાવ. 
  • યોગ્ય સમયમાં અભ્યાસક્રમ પૂરો ન કરવો. અમુક શિક્ષકો શરૂઆતમાં તો ખૂબ જ ધીમે ધીમે અભ્યાસક્રમ ચલાવતા હોય છે. પછી પરીક્ષા નજીક આવે ત્યારે ખૂબ જ ઝડપથી બાકીનો અભ્યાસક્રમ પૂરો કરી દે છે, તેથી નબળાં બાળકો વધુ નબળાં બને છે. 
  • શાળામાં , ખાસ કરીને બિનસરકારી શાળાઓમાં, વારંવાર શિક્ષકો બદલાવો. 
  • વિશિષ્ટ બાળકો પર શિક્ષકો દ્વારા વ્યક્તિગત ધ્યાન ન આપવું. 
  • જ્યાં શાળા તરફથી બાળકોને પુસ્તકો મફતમાં આવતાં હોય ત્યાં તેમને યોગ્ય સમયે પુસ્તકો પૂરાં ન પાડવાં. 
  • શાળામાં શિક્ષણનું માધ્યમ બાળકની ભાષા કરતાં જુદું હોય તો બાળકોને અધ્યયન કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. 

[ J ] અભ્યાસક્રમ : સરેરાશ બાળકોને ધ્યાનમાં રાખીને જ મોટાભાગે અભ્યાસક્રમની રચના કરવામાં આવે છે. બીજું, માધ્યમિક કક્ષા સુધી તો બાળકોને તમામ વિષયો ફરજિયાતપણે ભણવા પડે છે. તેમને વિષયો પસંદ કરવા માટેની તક આપવામાં આવતી નથી. તેથી તેમને પોતાની રૂચિ મુજબના વિષયો પર વધુ ધ્યાન આપવાની તક મળતી નથી. ઉપરાંત જે વિષયોમાં તેમને રસ ન પડતો હોય અથવા જે વિષય શીખવા માટેની કુદરતી આવડત તેમની પાસે ન હોય તેવા વિષયો પણ તેમણે ફરજિયાતપણો ભણવા પડે છે. આવા વિષયોમાં મળતી નિષ્ફળતાની અસર અન્ય વિષયોના અધ્યયન પર પણ પડે છે, તેથી બાળકો અભ્યાસમાં ધીમા પડી જાય છે. 

[ K ] બાળકોની ભાષા : ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો પર તેમની પોતાની લોકબોલી અને ભાષાનું પ્રભુત્વ હોય છે. બાળક તેમની બોલીમાં બોલાયેલી વાતો ઝડપથી સમજી શકે છે. શાળામાં જે - તે પ્રદેશની સામાન્ય પ્રાદેશિક ભાષામાં શિક્ષણ અપાય છે. પાઠ્યપુસ્તકોમાં પણ આવી ભાષાનો ઉપયોગ થાય છે. પ્રાથમિક શિક્ષણથી જે શાળાઓમાં આ પરિસ્થિતિ જોવા મળે છે, પરિણામે પ્રાથમિક કક્ષાએ બાળકને વિષયવસ્તુના મુદાઓ સમજવામાં મુશ્કેલી પડતી હોય છે. જેના કારણે તેનું પાયાનું જ્ઞાન જ નબળું રહી જાય છે, તેથી તે અધ્યયનમાં પાછળ રહી જાય છે. 

[ L ] વાણી અને ભાષાની અક્ષમતા : વાણીની ખામીને કારણે બાળક યોગ્ય રીતે વાર્તાલાપ કરી શકતું નથી, તેથી તેની બોલચાલની ભાષાનો વિકાસ થતો નથી. પરિણામે તે વર્ગખંડમાં આંતરક્રિયા કરી શકતું નથી. પરિણામે વિષયવસ્તુ સાથે સંકળાયેલી સમસ્યાઓ યોગ્ય રીતે રજૂ કરી શકતું નથી, જેની અસર તેની અધ્યયન ક્ષમતા પર પડે છે. 

[ M ] માનાસિક અક્ષમતા : માનસિક અક્ષમતાને કારણે બાળક માનસિક પ્રક્રિયાઓ કરી શકતું નથી. તેના ધ્યાન કેન્દ્રિકરણ પર માનસિક અક્ષમતાની અસર પડે છે. તે તર્ક અને વિવેચનાત્મક ચિંતન જેવી ઉચ્ચ કક્ષાની માનસિક ક્રિયાઓ કરી શકતું નથી. તે વિષયવસ્તુના મુદ્દાઓને યોગ્ય સંદર્ભમાં સમજી શકતું નથી, જેની અસર તેની અધ્યયન ક્ષમતા પર પડે છે. 
બાળકોની અધ્યયન ગતિ મંદ હોવા માટેનાં આટલાં કારણો ઉપરાંત પણ અન્ય કારણો હોઈ શકે છે. પરંતુ ઉપરોકત મુખ્ય કારણોની ચર્ચા કર્યા પછી હવે આપણે વિચારીએ કે આવાં બાળકોના શિક્ષણને સુધારવા માટે કયા પગલાં લઈ શકાય. 

અધ્યયનની અક્ષમતા ધરાવતાં બાળકોનું શિક્ષણ
 અધ્યયનની અક્ષમતા ધરાવતાં બાળકોનાં શિક્ષણને સુધારવા માટે શાળા કક્ષાએ નીચે જણાવ્યા મુજબનાં પગલાં લઈ શકાય. 
  • શિક્ષકોએ આવાં બાળકો સાથે સહાનુભૂતિપૂર્વકનો વ્યવહાર કરવો જોઈએ. નિદાનાત્મક કાર્ય કરીને આવાં બાળકોની મંદગતિ અને અધ્યયન અક્ષમતા માટેનાં કારણો જાણવાં જોઈએ. શાળાના તમામ શિક્ષકોએ ભેગા મળીને આવાં કારણોનું વિશ્લેષણ કરવું જોઈએ. આ કારણો દૂર કરવા માટેના ઉપાયો શોધવા જોઈએ. જરૂર જણાય તો નિષ્ણાતોની મદદ લેવી જોઈએ. જે ઉપાયો શોધવામાં આવ્યા હોય તેમનો યોગ્ય રીતે અમલ કરવો જોઈએ. અમલીકરણ પછી પણ બાળકોની પ્રગતિનો અહેવાલ મેળવતા રહેવું જોઈએ. ત્યારબાદ પણ તેમાં કોઈ કચાશ જાય તો તે કચાશ દૂર કરવા માટે ફરીથી વિશેષ પ્રયત્નો કરવા જોઈએ. 
  • વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણસર રાખવી જોઈએ. સંશોધનો કહે છે કે, વર્ગખંડમાં બાળકોની સંખ્યા 20 થી 25 ની હોય તો જ તેમને અસરકારક રીતે શિક્ષણ આપી શકાય છે. 
  • અધ્યાપન કાર્ય માટે શિક્ષકોએ યોગ્ય પદ્ધતિઓ અને પ્રવિધિઓનો ઉપયોગ કરવો જોઈએ.
  • શિક્ષકો વચ્ચે એકસૂત્રતા હોવી જોઈએ અને આવાં બાળકોના શિક્ષણ માટે તમામ શિક્ષકોએ એકબીજાને પૂરતો સહકાર આપવો જોઈએ. 
  • શાળામાં પુસ્તકાલય, પ્રયોગશાળા અને અન્ય ભૌતિક સાધનોની પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ. 
  • આ સુવિધાઓનો પૂરતો ઉપયોગ કરી શકાય તે માટે બાળકોમાં સ્વઅધ્યયનની ટેવનો વિકાસ કરવો જોઈએ. 
  • શાળામાં પ્રશિક્ષિત શિક્ષકોની નિમણૂક કરવી જોઈએ અને શિક્ષકોની સંખ્યા પૂરતી હોવી જોઈએ. 
  • શાળામાં વિષયોની પસંદગીના સંદર્ભમાં બાળકોને પૂરતું માર્ગદર્શન આપવું જોઈએ જેથી બાળકો પોતાની કક્ષા મુજબના વિષયો પસંદ કરી શકે. 
  • પાયાની સંકલ્પનાઓ સ્પષ્ટ કર્યા બાદ જ આગળનું શિક્ષણ આપવું જોઈએ. 
  • શિક્ષકે વિષયવસ્તુના અઘરા મુદ્દાઓ શીખવવા માટે ગંભીરતાપૂર્વક પૂરતો સમય ફાળવવો જોઈએ. 
  • શાળામાં વારંવાર શિક્ષકો બદલવાથી બાળકોનું અધ્યયનનું સાતત્ય ખોરવાતું હોય છે , તેથી ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન અધવચ્ચેથી શિક્ષકોની બદલીઓ ન કરવી જોઈએ. 
  • મંદ ગતિનાં બાળકો પર શિક્ષકોએ વ્યક્તિગત ધ્યાન આપવું જોઈએ. તેમના માટે ઉપચારાત્મક શિક્ષણની ખાસ વ્યવસ્થા શાળા કક્ષાએ ગોઠવવી જોઈએ. 
  • વર્ગખંડમાં આવાં બાળકોનું અપમાન ન થાય તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. તેમની સાથે સહાનુભૂતિપૂર્વક વર્તન કરીને તેમની સમસ્યાઓને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. 
  • આવાં બાળકોને સમયસર પુસ્તકો અને અન્ય અધ્યયન સામગ્રી મળી જાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. 
  • આવાં બાળકોને સરળતાથી સમજાય તેવી ભાષામાં શિક્ષણ આપવું જોઈએ.
  • આવાં બાળકોની કોઈપણ પ્રકારની શૈક્ષણિક સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. 
  • શારીરિક ખામી ધરાવતાં બાળકો માટે શાળામાં વિશિષ્ટ વ્યવસ્થા ગોઠવવી જોઈએ. દા.ત. દષ્ટિની ખામીવાળા અને શ્રવણની મુશ્કેલી ધરાવતાં બાળકોને આગળની પાટલીએ બેસાડવા જોઈએ. 
  • માબાપે બાળકના અભ્યાસમાં પૂરતો રસ લેવો જોઈએ. 
  • શિક્ષકોએ બિનજવાબદાર માબાપને પણ પરામર્શન પૂરું પાડવું જોઈએ. 
  • ઘરનું વાતાવરણ અભ્યાસ માટે પ્રેરક હોવું જઈએ. 
  • બાળકોના શારીરિક રોગોનું નિદાન કરીને ઝડપથી તેનો ઉપચાર કરવો જોઈએ. 
  • તે માટે શાળામાં નિયમિત અંતરે બાળકોની દાકતરી તપાસ થવી જોઈએ. 
  • કન્યા શિક્ષણ માટે લોકોને, ખાસ કરીને ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોના લોકો અને અશિક્ષિત માબાપને જાગૃત કરવા જોઈએ. 
  • બાળકો નિયમિત રીતે શાળાએ જાય છે કે નહીં, તેની તકેદારી માતા પિતાએ રાખવી જોઈએ. 
  • અધ્યયન અક્ષમતા ધરાવતાં બાળકો સાથે તેમના શિક્ષણનાં સંદર્ભમાં માબાપે પણ ખૂબ જ સહાનુભૂતિ સાથે વ્યવહાર કરવો જોઈએ. 
  • શિક્ષક અને માતા - પિતાએ આવાં બાળકોને એવો અહેસાસ કરાવવો જોઈએ કે તેઓ તેમનાં કામમાં રસ દાખવે છે. તે ઉપરાંત તેમની નાનામાં નાની સિદ્ધિને પણ બિરદાવવી જોઈએ, જેથી તેમનો આત્મવિશ્વાસ વધારી શકાય. 
  • શાળા કક્ષાએ પણ આવાં બાળકોને વિષય પસંદગી માટેના વિકલ્પો પૂરા પાડવા જોઈએ. તેમની અભિયોગ્યતાઓ ઓળખીને તેના આધારે તેમને વિષયો ફાળવવા જોઈએ, જેથી તેમને પોતાની શકિતઓનો પૂરેપૂરો ઉપયોગ કરવાની તક મળે. આવા વિષયોમાં મળતી સફળતાને કારણે તેમના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે અને સરવાળે તેઓ ધીમે ધીમે અન્ય વિષયોમાં પણ રસ લેતા થશે. 
અધ્યયનની અક્ષમતાનો વિકાસ કરે તેવો એક રોગ છે ડિસ્લેકિસયા . હવે આપણે તેના વિશે ચર્ચા કરીશું.

ડિસ્લેકિસયા
 ડિસ્લેકિસયા એ બાળકના વાંચનની અક્ષમતા સાથે સંકળાયેલો રોગ છે. યુ. એસ. નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થના જાણાવ્યા પ્રમાણે, ડિસ્લેકિસયા એ અધ્યયનની અક્ષમતા જે વ્યકિતની વાંચન, લેખન, જોડણી લખવાની અને અમુક વખતે બોલવાની ક્ષમતામાં અવરોધ પેદા કરે છે.
 ડિસ્લેકિસયાને Develpopmental Reading Disorder - DRD તરીકે પણ ઓળખવામાં આવે છે . આ રોગને કારણે વાંચન કરતી વખતે અક્ષરો ઓળખવામાં ભૂલ થાય છે . સામાન્ય રીતે બાળકો 'ક' , 'ટ' અને 'ઠ' , 'ય' અને 'મ' , 'શ' અને 'રા' જેવા ભળતા અક્ષરોને ઓળખી શકતું નથી. અમુક વખતે તો તેને અક્ષરો અને આંકડાઓમાં ચિત્ર - વિચિત્ર આકૃતિઓ દેખાતી હોય છે, પરિણામે તે યોગ્ય રીતે વાંચન નથી કરી શકતું. 

ડિસ્લેકિસયાનાં કારણો 
મગજમાં થતી માહિતી પ્રક્રિયાની ખામીને કારણો ડિસ્લેકિસયાનો રોગ થાય છે. મગજના જે ભાગમાં ભાષાનું અર્થઘટન થાય છે અથવા અક્ષરો અને અંકોની ઓળખ થાય છે, તેમાં આવતી ખામીને કારણે આ રોગ થાય છે. 
સામાન્ય રીતે જયારે બાળકોને અક્ષરો કે અંકો પહેલી વખત શખવવામાં આવે છે ત્યારે તેની સામે અક્ષરો લખીને અને બોલીને રજૂ કરવામાં આવે છે. જેમ કે, બોર્ડ પર “ક” લખીને સાથે સાથે "ક કમળનો ક" એમ બોલવામાં પણ આવે છે . પરિણામે બાળક અક્ષરોને અવલોકીને અને સાંભળીને એમ બન્ને રીતે અક્ષરોને ઓળખવાનો પ્રયત્ન કરે છે. બાળકના મગજમાં દશ્ય જોયેલા અક્ષરો અને અવાજ ( સાંભળેલા અક્ષરો ) એક સાથે જાય છે અને ત્યાં તે બન્નેનું સંકલન અને જોડાણ થાય છે. તેના મગજમાં અક્ષરનું પ્રત્યક્ષીકરણ થાય છે. ત્યાર બાદ બાળકની સામે તે અક્ષર લખીને રજૂ કરવામાં આવે ત્યારે તેને મગજમાં તે અક્ષરનો ઉચ્ચાર યાદ આવે છે અથવા તેની સામે અક્ષર બોલવામાં દવે ત્યારે તેને અક્ષરોનું લખાણ યાદ આવે છે. આ સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ ડિલકસયાવાળાં બાળકોનાં મગજમાં આ બન્નેનું યોગ્ય રીતે જોડાણ નથી થતું. તેથી તેની સામે જ્યારે લેખિત સ્વરૂપે ફરીથી એકનો એક અક્ષર રજૂ કરવામાં આવે ત્યારે તે ભળતા અક્ષરો બોલે છે અથવા તે સાચી રીતે વાંચી શકતું નથી.

ડિસ્લેકિસયાનાં લક્ષણો 
ડિસ્લેસિયાનાં લક્ષણો નીચે જણાવ્યા પ્રમાણે છે. 
  • લખેલા અક્ષરો વાંચતી વખતે બાળકને ભળતા અક્ષરો દેખાય છે. 
  • અક્ષરો જોઈને બાળક તેને ઓળખી શકતું નથી. 
  • તેના મગજમાં અક્ષર અને તેના ઉચ્ચાર વચ્ચેનું જોડાણ થતું નથી. 
  • તે ઉચ્ચારને આધારે અક્ષરને ઓળખી શકતું નથી અને અક્ષર વાંચીને તેનો સાચો ઉચ્ચાર કરી શકતું નથી. 
  • બાળક લાંબાં લાંબાં વાક્યોનું અર્થઘટન કરી શકતું નથી. 
  • આ રોગથી પ્રસ્ત બાળકો મંદ બુદ્ધિનાં નથી હોતાં. તેમનો બુદ્ધિ આંક ઊંચો પણ હોઈ શકે છે. 
  • તેમને ફકત વાંચન લેખનની મુશ્કેલી હોય છે, બાકી બધી રીતે તે સામાન્ય બાળકો જેવાં જ હોય છે. અમુક કિસ્સામાં તો તેઓ કોઈ ક્ષેત્રમાં પ્રતિભાશાળી પણ હોય છે. 
ડિસ્લેસિયા રોગગ્રસ્ત બાળકોનાં આવાં વિશિષ્ટ લક્ષણોને કારણે તેમને વિશિષ્ટ સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. 

ડિસ્લેકિસયા રોગગ્રસ્ત બાળકોની અધ્યયન સમસ્યા
ડિસ્લેકિસયા રોગગ્રસ્ત બાળકોની સમસ્યા નીચે જણાવ્યા મુજબ છે : 
  • તેઓ સાહજિક રીતે વાંચન કરી શકતાં નથી. 
  • તેમને શ્રુતલેખન કરવામાં મુશ્કેલી પડે છે. એટલે કે , તેઓ સાંભળેલાં વાકયો લખી શકતાં નથી. 
  • તેમને અનુલેખન કરવામાં પણ મુશ્કેલી પડે છે. એટલે કે, તેઓ અક્ષરોની નકલ પણ કરી શકતાં નથી. 
  • તેઓ લેખિત વાકયોનું સરળતાથી અર્થઘટન કરી શકતાં નથી પરિણામે તેમની અધ્યયનની ગતિ મંદ થઈ જાય છે.
  • તેઓ લઘુતાગ્રંથિ અનુભવે છે. 
  • તેઓ કલ્પનામાં રાચતા હોય છે. તેથી અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. પરિણામે તેઓ અભ્યાસ કરવા અંગેનો આત્મવિશ્વાસ ગુમાવી દે છે. 
  • તેમનું વર્તન પણ અસામાન્ય બની જતું હોય છે. એટલે કે, તેઓ વાર્તનિક સમસ્યા ધરાવતાં થઈ જાય છે. 
  • આ રોગને કારણે તેઓ એકલવાયા બની જતાં હોય છે. 
તેમની આ સમસ્યા દૂર કરવા માટે તેને વિશિષ્ટ રીતે શિક્ષણ આપવાની જરૂર પડે છે. 

ડિસ્લેકિસયા રોગગ્રસ્ત બાળકોનું શિક્ષણ 
ડિરલેકિસયા રોગગ્રસ્ત બાળકોનાં શિક્ષણ માટે નીચે જણાવ્યા મુજબનાં પગલાં લેવા જોઈએ. 
  • સર્વ પ્રથમ તો તેમની સંપૂર્ણ રીતે દાકતરી તપાસ થવી જોઈએ. 
  • તેમની સમસ્યાનું નિદાન કરીને તેને ઉપચારાત્મક શિક્ષણ આપવું જોઈએ. 
  • શાળામાં જ તેમના માટે વ્યકિતગત શિક્ષણની વ્યવસ્થા કરવી જોઈએ. 
  • તેમની બુદ્ધિ કક્ષાને ધ્યાનમાં રાખીને તેમના માટે અલગ અભ્યાસક્રમની રચના કરવી જોઈએ. 
  • બાળકોને તેમની પોતાની સંભાળ લેવા માટેનું શિક્ષણ આપવું જોઈએ. 
  • આવાં બાળકો વધુમાં વધુ પ્રમાણમાં સામાજિક આંતરક્રિયા કરે તે માટે તેમને સામાજિક પ્રશિક્ષણ આપવું જોઈએ. એટલે કે, તેમને સામૂહિક રમતો, પ્રવાસ - પર્યટનો અને સમૂહજીવનની પ્રવૃત્તિઓમાં જોડવા જોઈએ.
  • તેમને લેખન, વાંચન અને નિરીક્ષણ કરવા માટેનું વિશિષ્ટ પ્રશિક્ષણ આપવું જોઈએ. 
  • તેમની અભિયોગ્યતાઓ ઓળખીને તેના આધારે તેમને ચોક્કસ વિષયો ફાળવવા જોઈએ. જેથી તેમને પોતાની શકિતઓનો પૂરેપૂરો ઉપયોગ કરવાની તક મળે. આવા વિષયોમાં મળતી સફળતાને કારણે તેમના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે અને સરવાળે તેઓ ધીમે ધીમે અન્ય વિષયોમાં પણ રસ લેતા થશે. 
  • તેમને શારીરિક અને માનસિક સ્વાસ્થનું શિક્ષણ આપવું જોઈએ. 
  • તેમનું માનસિક આરોગ્ય જળવાઈ રહે તે માટે તેમને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. 
  • તેમને સામાન્ય રીતે વર્તન કરવા માટેનું શિક્ષણ આપવું જોઈએ. 
  • વર્ગખંડમાં તેમની સંખ્યા મર્યાદિત હોવી જોઈએ. 
  • તેમના માબાપને પણ તેમના ઉછેર માટેનું માર્ગદર્શન આપવું જોઈએ. 
તે ઉપરાંત મંદ ગતિના બાળકોના શિક્ષણ માટે જે કોઈપણ પગલાં અગાઉ સૂચવવામાં આવ્યાં છે તે તમામ પગલાં આવાં બાળકોનાં શિક્ષણ માટે પણ લેવાં જોઈએ, પ્રસ્તુત પ્રકરણમાં જ આ પગલાંઓ સૂચવવામાં આવ્યા હોઈ અહીં તેમનું પુનરાવર્તન કરવામાં આવ્યું નથી. 
બાળકનાં અધ્યયન પર અસર કરી શકે તેવો એક માનસિક રોગ છે, ધ્યાનન્યૂનતાનો રોગ. હવે આપણે તેના વિશે ના કરીશું.

ધ્યાનન્યૂનતાનો રોગ 
 ધ્યાનન્યૂનતાનો રોગ એ બાળકની ધ્યાન કેન્દ્રિકરણની ખામી સાથે સંકળાયેલો રોગ છે. અમેરિકન હેલ્થ ડિકશનરીમાં જણાવ્યા પ્રમાણે, ધ્યાનન્યૂનતાનો રોગ એ તરંગીપણાની ચોક્કસ તરેહ દર્શાવતો, ધ્યાન કેન્દ્રિકરણનો નાનો સમયગાળો ધરાવતો અને અમુક વખતે અતિ ક્રિયાશીલતા દશાવતો અને જેનું નિદાન બચપણમાં થાય છે તેવી વ્યકિતના શૈક્ષષિક, વ્યાવસાયિક અને સામાજિક દેખાવ પર અસર કરતો રોગ છે. 
વ્યાખ્યામાં જણાવ્યા પ્રમાણો આ રોગ ધરાવતું બાળક કોઈ એક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી. તે તરંગી સ્વભાવવાળું બની જાય છે, જેના કારણે તે સરળતાથી સામાજિક આંતરક્રિયા કરી શકતું નથી, પરિણામે તેની શૈક્ષણિક પ્રક્રિયામાં અવરોધ પેદા થાય છે. અમુક વખતે આ રોગ દર્શાવતું બાળક અતિ ક્રિયાશીલ બની જાય છે, જેના કારણે મોટા થયા પછી તેના વ્યવસાયમાં પણ તેનું ચિત્ત ચોંટતું નથી. 
અતિક્રિયાશીલતા (Hyperactivity) એટલે કોઈ એક કાર્યમાં ધ્યાન કેન્દ્રિત ન થવું અને એક પણ કામ પૂર્ણ કર્યા વગર વારંવાર કામ બદલવું. જયારે ધ્યાનન્યૂનતાનાં રોગની સાથે અતિ ક્રિયાશીલતા ભળે છે ત્યારે તેને ધ્યાનન્યૂનતા સાથે અતિક્રિયાશીલતા (Attention Deficiency / Deficit Hyperactive Disorder - ADHD) ના રોગ તરીકે ઓળખવામાં આવે છે. 
અમેરિકન સોસાયટી ઓફ ચાઇલ્ડ એડોલિસન્ટ સાઇકિયાટ્રી (American Association of Child Psychiatry - AACAP) ના જણાવ્યા મુજબ નીચે જણાવૈલી શરતો પૂર્ણ થાય તો જ બાળકને ADHD રોગગ્રસ્ત બાળક તરીકે જાહેર કરી શકાય. 

  • બાળકમાં રોગનાં લક્ષણો સાત વર્ષની ઉંમર પહેલાં દેખાય. 
  • આ લક્ષણો છ માસથી વધુ સમય માટે રહે, 
  • આ રોગનાં લક્ષણો નીચે જણાવેલી જગ્યાઓમાંથી ઓછામાં ઓછી બે જગ્યાએ દેખાય,
  • સમાજમાં સામાજિક આંતરક્રિયા કરતી વખતે બાળક દ્વારા કરવામાં આવતાં વર્તનોમાં 
  • રમતનાં મેદાન પર તેના દ્વારા થતા વર્તનોમાં 
  • વર્ગખંડમાંનાં તેના વર્તનોમાં 
  • ઘરમાં તેના વર્તનોમાં

ધ્યાનન્યૂનતા સહિતના અતિક્રિયાશીલતાનાં રોગનાં લક્ષણો 
આ રોગનાં લક્ષણો નીચે જણાવ્યા પ્રમાણ છે. 
  • આ રોગ ધરાવતું બાળક ઝડપથી બેધ્યાન થઈ જાય છે. 
  • અતિક્રિયાશીલતા એ આ રોગનું સૌથી મોટું લક્ષણ છે. 
  • બાળક વસ્તુઓ અને વાતો ઝડપથી ભૂલી જાય છે. 
  • કોઈ એક કામમાં તેનું ચિત્ત ચોટતું નથી. 
  • તે ધીરજ સાથે કોઈ કામ કરી શકતું નથી. 
  • નવી વાતો શીખવા માટેની ધીરજ પાછા તેનામાં હોતી નથી. 
  • તે કાર્યો/પ્રવૃત્તિઓ વારંવાર બદલ્યા કરે છે.
  • તે દિવાસ્વપ્રોમાં રાચે છે. 
  • તે ઝડપથી ટૂંઝાઈ જાય છે. 
  • વર્ગખંડમાં તે શિક્ષકની વાતો અથવા વિષયવસ્તુની ચર્ચા ધ્યાનથી સાંભળતું નથી. 
  • તે અન્ય સામાન્ય બાળકોની જેમ સરળતાથી વાતોને સમજી શકતું નથી. 
  • તે ખૂબ વાચાળ હોય છે. 
  • તેના માનસમાં થતી માહિતી પ્રક્રિયામાં સાતત્યનો અભાવ જોવા મળે છે. 
  • શિક્ષકે આપેલી સૂચનાઓનું પાલન કરવામાં તે મુશ્કેલી અનુભવે છે. 
  • તે એક જગ્યાએ શાંતિથી બેસી શકતું નથી. 
  • તેની સામે આવતી વસ્તુ સાથે તે રમવા લાગે છે. 
  • તે કોઈનાય માટે ગમે તેવું બોલી દે છે.

ધ્યાનન્યૂનતા સહિતના અતિક્રિયાશીલતાનાં રોગના કારણો 
આ રોગના સંદર્ભમાં હમણાં સુધી જેટલા અભ્યાસો થયા છે તેના આધારે કહી શકાય કે, નીચે જણાવેલાં કારણોસર આ રોગ થવાની શકયતા રહે છે. 
  • ગર્ભાવસ્થા દરમિયાન જો માતા તમાકુ, આલ્કોહોલ કે અન્ય કોઈ નશાવાળી વસ્તુનાં વાતાવરણમાં રહેતી હોય તો તેની અસર ગર્ભસ્થ શિશુ ઉપર પડે છે અને તેનામાં માનસિક ચંચળતાનો વિકાસ થઈ શકે છે. 
  • ગર્ભાવસ્થા દરમિયાન જો માતા આલ્કોહોલનું સેવન કરતી હોય તો ગર્ભસ્થ બાળકમાં આ રોગનાં મૂળ પેદા થઈ શકે છે. 
  • સમયથી પહેલાં બાળકનો જન્મ થયો હોય અથવા જન્મ સમયે કોઈ સમસ્યા થઈ હોય તો આ રોગની શકયતા વધી જાય છે. 
  • જન્મ પછી બાળકને લેડ ( Lead ) વાળા વાતાવરણમાં રાખવામાં આવે તો તેની માનસિક ચંચળતા વધી શકે છે. 
  • ખેતપેદાશોમાં વપરાતાં જંતુનાશકો પણ આ રોગની ઉત્પત્તિનું કારણ બને છે. આવી ખેતપેદાશોને બરાબર સાફ કરીને ખાવામાં ન આવે ત્યારે આ રોગની શકયતા વધી જાય છે. 
  • અમુક પ્રકારનાં ઠંડા પીણાઓનું અતિશય સેવન કરવાને કારણે પણ બાળક માનસિક રીતે ચંચળ બની જાય છે. 
  • અસ્થાયી જીવનને કારણે આ રોગ થઈ શકે છે. ભટકતું જીવન જીવતાં બાળકોમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે. 
  • બાળકને સતત સ્પર્ધાત્મક વાતાવરણમાં રાખવામાં આવે તો આ રોગનો વિકાસ થઈ શકે છે. 
  • બાળકને સાંવેગિક રીતે પજવવામાં આવે, તેના દરેક કામમાં ખામી કાઢવામાં આવે અથવા તેમને કોઈપણ કામ માટે વધુ પડતા પ્રોત્સાહિત કરવામાં આવે ત્યારે તેઓ ધ્યાન કેન્દ્રિકરણ ગુમાવી દે છે.

ADD / ADHD રોગ ગ્રસ્ત બાળકોનું શિક્ષણ 
 આવાં બાળકોના શિક્ષણ માટે નીચે જણાવેલાં પગલાં લેવા જોઈએ. 
  • શિક્ષકે તેની સાથે સહાનુભૂતિપૂર્વકનો વ્યવહાર કરવો જોઈએ. 
  • તેનાં રસનાં ક્ષેત્રો અંગે માહિતી મેળવીને અધ્યાપનના મુદ્દાઓને તેની સાથે સાંકળવાનો પ્રયત્ન કરવો જોઈએ.
  • અધ્યાપન અધ્યયન પ્રક્રિયા દરમિયાન તેની માનસિક શકિતઓને ધ્યાનમાં રાખીને સરળ પ્રશ્નો પૂછીને તેને ચર્ચામાં સતત સાંકળી રાખવો જોઈએ. 
  • રસપ્રદ રીતે વિષયવસ્તુની રજૂઆત કરવી જોઈએ.
  • શિક્ષકે નાનાં નાનાં મુદાઓમાં વહેંચીને વિષયવસ્તુની રજૂઆત કરવી જોઈએ. 
  • દરેક મુદ્દાની રજૂઆત પછી બાળકની માનસિક ક્ષમતાને અનુકૂળ સરળ પ્રશ્નો પૂછીને તેને ચર્ચામાં સાંકળવો જોઈએ. 
  • શિક્ષકે તેની સાથે વર્ગખંડની બહાર પણ સતત વાર્તાલાપ કરતા રહેવું જોઈએ. 
  • તેને નાનાં નાનાં કાર્યોની જવાબદારી સોંપવી જોઈએ , જેથી તે પોતાનું ધ્યાન કોઈ એક કાર્ય પર કેન્દ્રિત કરી શકે. તે કાર્ય પૂરું કરવા માટે તેને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવાં જોઈએ. 
  • આવાં બાળકો વધુ ગૃહકાર્ય કરી શકતાં નથી, તેથી તેની ગૃહકાર્યની ટેવનો વિકાસ કરવા માટે શરૂઆતમાં ઓછું ગૃહકાર્ય આપવું જોઈએ. 
  • જો આવું બાળક અધૂરું ગૃહકાર્ય કરીને આવે તો પણ તેને સજા તો ન જ આપવી જોઈએ, પણ સાથે સાથે તેણે કરેલા કાર્યમાંથી સારી બાબતો શોધીને તેને બિરદાવવો જોઈએ. 
  • તેણે કરેલ દરેક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરીને તેમાંથી વિશિષ્ટતાઓ શોધવી જોઈએ અને તેની જાણ બાળકને કરવી જોઈએ. જેથી તેના આત્મવિશ્વાસમાં વધારો કરી શકાય. તે વધુ સારી રીતે આવી પ્રવૃત્તિઓ કરી શકે તે માટેનું માર્ગદર્શન અને પ્રોત્સાહન તેને આપવું જોઈએ.
  • તેનાં અહમને આઘાત લાગે તે રીતે કદીએ તેને શિક્ષા ન કરવી જોઈએ.  
  • તેને સ્વતંત્ર રીતે કાર્ય કરવાની તક પૂરી પાડવી જોઈએ. 
  • તેની ભૂલો અંગે તેને સજા આપવાને બદલે વ્યકિતગત ધોરણે તેની સાથે વાર્તાલાપ કરીને તે ભૂલો સુધારવા માટેનું માર્ગદર્શન આપવું જોઈએ. 
  • વર્ગખંડમાં અને શાળામાં થતી તમામ પ્રવૃત્તિઓ અંગે તેની સાથે વ્યકિતગત ચર્ચા કરીને તેને ગમતું કામ સોંપવું જોઈએ.

Post a Comment

Please do not enter any spam link in the comment box.